“પાઉંભાજી” એક એવી વાનગી છે જે લગભગ દરેક ઘરમાં બધાને ભાવતી જ હોય. એમાં પણ જો શનિવાર અને રવિવાર આવતો હોય તો લગભગ સાંજનું મેનુ તો નક્કી જ હોય કે પાઉંભાજી બનાવીશું. હવે જયારે કોરોનાને લીધે અનેક લોકોએ બહારનું ખાવાનું ઓછું કર્યું છે ત્યારે ઘરે જ ટેસ્ટી અને મસાલેદાર જમવાનું બનાવવું એ જ એક સારો ઓપશન બની રહે છે.
ઘણીવાર ઘરમાં કોબીઝ અને ફુલાવર અને ગાજર ના હોય ત્યારે પાઉંભાજી બનાવવી શક્ય નથી લાગતી પણ આજે હું તમારી માટે લાવી છું એક એવી સરળ રેસિપી કે જેમાં ફક્ત બાફેલા બટાકા અને ડુંગળી ટામેટાની મદદથી બનાવી શકીશું આ ભાજી. આ ભાજીની રેસિપીની સાથે શીખો ભાજી સાથે ખવાતા મસાલા પાઉં બનાવતા.
સામગ્રી
- બાફેલા બટાકા – બે નંગ મીડીયમ સાઈઝ
- જીણી સમારેલી ડુંગળી – બે નંગ મીડીયમ સાઈઝ
- જીણા સમારેલા ટામેટા – બે નંગ મીડીયમ સાઈઝ
- જીણા સમારેલ કેપ્સિકમ – એક નાની વાટકી
- લીલા વટાણા – એક નાની વાટકી
- જીણા વાટેલા મરચા અને લસણ – એક વાટકી
- આદુ – એક નાનો ટુકડો
- બટર – ચારથી પાંચ ચમચી
- તેલ – ચારથી પાંચ ચમચી
- મરચું – ત્રણ ચમચી
- હળદર – એક ચમચી
- પાઉંભાજી મસાલો – ત્રણ ચમચી
- મીઠું – જરૂર મુજબ
- લીંબુ – અડધું
- લીલા ધાણા – સજાવટ માટે
પાઉંભાજી બનાવવા માટેની સરળ રેસિપી
1. આ પાઉંભાજીમાં આપણે કોઈપણ ગ્રેવી બનાવવાની નથી ડુંગળી અને ટામેટાને જીણા સમારી લેવા એટલે ચઢવામાં સરળતા રહે અને બટાકાને બાફીને મેશ કરી લેવા. હવે સૌથી પહેલા એક કઢાઈમાં આપણે બટર ગરમ કરવા મુકીશું તમે ઈચ્છો તો સાથે થોડું તેલ પણ ઉમેરી શકો.
2. હવે તેમાં જીણા ક્રશ કરેલા લીલા મરચાં અને લસણ ઉમેરો.
3. હવે તેમાં રહેલ બટર પણ ઓગળી ગયું હશે હવે તેમાં થોડું આદુ છીણી લો.
4. હવે આમાં આપણે જીણી સમારેલ ડુંગળીને ઉમેરો.
5. હવે ડુંગળી થોડી સાંતળાઈ જાય એટલે તેમાં જીણા સમારેલા ટામેટા ઉમેરો.
6. હવે ટામેટા અને ડુંગળીને બરાબર મિક્સ કરી લો અને તેમાં મસાલો કરો. હળદર, મરચું અને પાઉંભાજી મસાલો ઉમેરો.
7. બધો મસાલો અને ડુંગળી ટામેટા બરાબર મિક્સ કરી લો, ડુંગળી અને ટામેટા થોડા ચઢશે એટલે તમે જોઈ શકશો તેમાંથી તેલ છૂટું પડશે.
8. હવે પાઉંભાજી મેશ કરવાના ચમચાથી આ ડુંગળી અને ટામેટાના મિશ્રણને બરાબર મેશ કરી લો.
9. હવે આ મિશ્રણમાં જીણા સમારેલા કેપ્સિકમ ઉમેરો.
10. બધું બરાબર મિક્સ કરી લો, હવે થોડીવાર તે બરાબર મિક્સ થાય એટલે તેમાંથી તેલ છૂટું પડતું દેખાશે.
11. હવે તેમાં બાફીને મેશ કરેલા બટાકા ઉમેરો અને સાથે મીઠું ઉમેરો, મીઠું ઉમેરવામાં ધ્યાન રાખવું જો બટેકા બાફતા સમયે મીઠું ઉમેર્યું હોય તો ઓછું મીઠું ઉમેરવું.
12. હવે તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરો. પાણી ઉમેરવાથી ભાજી રસદાર બનશે અને મસાલા આખી ભાજીમાં બરાબર ચઢી જશે.
13. હવે પાઉંભાજી મેશ કરવાના ચમચાથી બટેકાને દબાવી લો.
14. મેં અહીંયા ફ્રોઝન કરેલા વટાણા લીધા છે એટલે છેલ્લે ઉમેર્યા છે જો તમે તાજા લીલા વટાણા ઉમેરવાના હોય તો તેને કેપ્સિકમ ઉમેરો ત્યારે ઉમેરી દેવા જેથી બરોબર ચઢી જાય.
15. હવે તેમાં લીલા ધાણા ઉમેરો અને સાથે લીંબુ પણ ઉમેરો જો તમને ખટાશ વધુ પસંદ હોય તો જમવાના સમયે ઉપર લીંબુ લેવું આ સમયે જરૂર પૂરતું જ લીંબુ ઉમેરવું.
16. હવે ભાજીને બરાબર હલાવીને થોડીવાર ખદખદવા દઈશું.
17. હવે આ ભાજી તૈયાર છે હવે આપણે તેની પર વઘાર કરીશું. જો તમને વધુ તેલ બટર અને મસાલો પસંદ નથી તો આ તૈયાર થયેલ ભાજી પણ ખાઈ શકો છો. પણ અહીંયા આપણે તડકા પાઉંભાજી શીખવાડીશ. એક વાઘરીયામાં બટર અને તેલ લઈશું.
18. હવે બટર ગરમ થાય એટલે તેમાં લાલ મરચું અને પાઉંભાજીનો મસાલો ઉમેરવો.
19. હવે તૈયાર થયેલ વઘારને બનેલ ભાજી પર ઉમેરીશું. બસ તો હવે તૈયાર છે ભાજી જે તમે કડક ભાખરી, પાઉં અને બ્રેડ સાથે ખાઈ શકશો.
ભાજી સાથે ખવાતા મસાલા પાઉં બનાવવા માટેની સામગ્રી
- પાઉં – છ નંગ
- બનેલ ભાજી – ત્રણ થી ચાર ચમચી
- બટર – ત્રણ ચમચી
- લીલા ધાણા – ત્રણ ચમચી
મસાલા પાઉં શેકવા માટેની સરળ રેસિપી.
1. હવે સૌથી પહેલા એક લોઢી પર બટર મુકીશું અને તેની સાથે તેમાં થોડા લીલા ધાણા ઉમેરીશું.
2. હવે તેમાં બનેલ ભાજી 2 ચમચી ઉમેરો
3. હવે લોઢી પર એ ભાજી ફેલાવી લો.
4. હવે કાપેલ પાઉંની અંદરની બાજુને એ લોઢી પર પાથેરલ ભાજીમાં ફેરવી લો.
5. હવે બહારની તરફના પાઉંને પણ બટર મૂકીને બરાબર શેકી લો. બસ તો હવે તૈયાર છે તમારા પાઉંભાજી જેને તમે જીણા સમારેલા ડુંગળી, ટામેટા અને કોબીઝનાં સલાડ અને લીંબુ સાથે ખાવ.
તો મિત્રો તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. આવજો તો ફરી મળીશું આવી જ કોઈ સરળ અને પરફેક્ટ રેસિપી સાથે.
રસોઈની રાણી : પદમા ઠક્કર
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
The post પાઉંભાજી – બાળકોની ફરમાઈશ પર 10 જ મિનિટમાં તૈયાર કરી આપો આ પાઉંભાજી, બધાને પસંદ આવશે… appeared first on Rasoi ni Rani.
from Rasoi ni Rani https://ift.tt/30sHFS6
No comments:
Post a Comment