નવરાત્રીના દિવસોમાં તમે સાબુદાણાની ખીચડી, મોરૈયો, થેપલા, પુરી અને બીજી અનેક વાનગીઓ બનાવતા હશો પણ તેની સાથે તમારે છૂંદો કે પછી દૂધ જ લેવું પડતું હશે તો આજે હું આપની માટે એક નવીન ફરાળી ચટણી બનાવવા માટેની રેસિપી લઈને આવી છું. બહુ સરળ રેસિપી છે જે તમે યોગ્ય માપ સાથે પરફેક્ટ બનાવી શકશો.
ચાલો ફટાફટ શીખી લો આ ચટણી અને હવે ફરાળી થેપલા, ઢોકળા, હાંડવો કે પછી બીજી કોઈપણ ફરાળી વાનગી સાથે આ ચટણી ખાઈ શકશો.
સામગ્રી
- છાલ કાઢેલ લીલું નારિયળ – અડધી કાચલી
- લીલા મરચા – ત્રણ થી ચાર નંગ
- આદુ – એક નાનો ટુકડો
- કાચા શીંગદાણા – એક નાની વાટકી
- ફરાળી મીઠું – સ્વાદ મુજબ
- મીઠા લીમડાના પાન – છ થી સાત નંગ
- લીંબુ – અડધું
- ખાંડ – બે ચમચી
- લીલા ધાણા – એક વાટકી
- પાણી – જરૂર મુજબ
લીલા નારિયળની ફરાળી ચટણી બનાવવા માટેની સરળ રેસિપી
1. સૌથી પહેલા આપણે એક મિક્ષર કપમાં છાલ કાઢેલ લીલું નારિયળ, લીલા મરચા અને આદુ ઉમેરીશું.
2. હવે આમાં કાચા શીંગદાણા ઉમેરી લઈશું.
3. હવે આજ મીક્ષરના કપમાં સ્વાદ અનુસાર ફરાળી મીઠું ઉમેરી લઈશું.
4. ચટણીની ફ્લેવર વધારવા માટે આપણે આમાં મીઠા લીમડાના પાંચથી સાત પાન ઉમેરી લઈશું.
5. હવે તેમાં અડધું લીંબુ નિતારી લઇશું. (ફોટો પાડવા માટે મૂક્યું છે બાકી તો નિતારી લીધું છે.)
6. હવે તે ચટણીને ગળચટ્ટી બનાવવા માટે ખાંડ ઉમેરી લઈશું.
7. હવે આ ચટણી ક્રશ કરવાના કપમાં લીલા ધાણા ઉમેરી લઈશું.
8. હવે કપ બંધ કરીને મિક્ષરની મદદથી બરાબર ક્રશ કરી લઈશું.
9. જો બહુ ઘટ્ટ લાગે અને બહુ ક્રશ ના થાય તો તેમાં થોડું પાણી ઉમેરો.
બસ હવે તૈયાર છે તમારી આ ચટણી જે તમે ફરાળી વાનગીઓ સાથે ખાઈ શકશો. તમે અત્યારસુધી જો આ ચટણી ટ્રાય નથી કરી તો એકવાર જરૂર ટ્રાય કરજો ઘરમાં બધાને ખુબ પસંદ આવશે. તમારા મિત્રો અને પરિવારજનો સાથે પણ આ રેસિપી જરૂર શેર કરજો જેથી તેમનો પણ ઉપવાસ અને વ્રત થોડા મજેદાર બની જાય.
આવજો ફરી મળીશું આવી જ કોઈ નવીન અને પરફેક્ટ વાનગી સાથે અને હા કોમેન્ટમાં જણાવજો કે આ ચટણી કેવી લાગી.
રસોઈની રાણી : પદમા ઠક્કર
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
The post લીલા નારિયળની ફરાળી ચટણી – પરફેક્ટ માપ સાથે બનાવતા શીખો ફરાળી ચટણી… appeared first on Rasoi ni Rani.
from Rasoi ni Rani https://ift.tt/2HgQbx9
No comments:
Post a Comment