નવરાત્રીના ઉપવાસ કરો છો અને દરરોજ ફરાળમાં કાંઈક અલગ ખાવાનું મન થતું હશે. પહેલા તો કોરોના નહોતો ત્યારે જયારે ઈચ્છા થાય ત્યારે કોઈપણ ફરસાણની દુકાન પર જઈને ફરાળી પાત્રા, પેટીસ, ઢોકળા, હાંડવો અને બફવડા જેવી અનેક વાનગીઓ લાવીને ખાઈ લેતા અને હવે ઘરે મોરૈયાની ખીચડી અને સાબુદાણાની ખીચડી સિવાય કોઈ અખતરા કરવામાં નથી માનતા હોતા. તો આજે હું તમારી માટે લાવી છું લીલા નારિયળની પેટીસ બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રેસિપી.
હવે કોઈપણ વ્રત ઉપવાસ કરો ત્યારે આ લીલા નારિયળની પેટીસ જરૂર બનાવજો. બફવડા એ એક અલગ પૂરણ હોય છે અને અહીંયા મેં અલગ પૂરણ બનાવ્યુ છે. જેનાથી તમે ટેસ્ટી અને બધાને પસંદ આવે એવી આ વાનગી ફરાળી પેટીસ એકવાર જરૂર બનાવજો. ચાલો ફટાફટ બનાવતા શીખી લઈએ લીલા નારિયળની ફરાળી પેટીસ.
સામગ્રી
પૂરણ બનાવવા માટે
- લીલું નારિયળ – અડધી કાચલી (છાલ કાઢેલ)
- શેકેલા શીંગદાણા – એક નાની વાટકી
- શેકેલા તલ – અડધી નાની વાટકી
- લીલા મરચા – પાંચ થી છ નંગ (વધુ તીખું જોઈએ તો વધારે ઉમેરવું.)
- આદુ – એક નાનો ટુકડો
- ફરાળી મીઠું – સ્વાદ મુજબ
- બૂરું ખાંડ – બે ચમચી
- મરીયા પાવડર – એક ચમચી
- લીંબુ – અડધું
- લીલા ધાણા – જરૂર મુજબ
બહારનું લેયર બનાવવા માટે સામગ્રી
- બાફેલા બટાકા – 500 ગ્રામ
- શિંઘોડાનો લોટ – ત્રણ થી ચાર ચમચી (જો બટેકા વધારે બફાઈ ગયા હોય તો બેન્ડીંગ આવે એટલો લોટ ઉમેરવો. લોટ વધુ ઉમેરો તો મીઠું વધારે ઉમેરવું)
- ફરાળી મીઠું – સ્વાદ મુજબ
- મરીયા પાવડર – અડધી ચમચી
- લીલા ધાણા – જરૂર મુજબ
- તેલ તળવા માટે – જરૂર મુજબ
લીલા નારિયળની ફરાળી પેટીસ બનાવવા માટેની સરળ રેસિપી
1. સૌથી પહેલા આપણે આ પેટીસ માટે પૂરણ બનાવીશું. તેના માટે લીલું નારિયળ, શેકેલા શીંગદાણા (મારા ઘરમાં ભૂકો રેડી હતો એ મેં અહીંયા ઉમેર્યો છે.), શેકેલા તલ, લીલા મરચા અને આદુ લઈશું.
2. આ બધી વસ્તુને મીક્ષરના એક કપમાં લઇ લઈશું.
3. હવે ક્રશ કરેલ પૂરણને એક વાટકામાં કે થાળીમાં લઈશું.
4. જો તમે પણ શેકેલા શીંગદાણાનો ભૂકો લેવાના હોવ તો આ સમયે તેને એડ કરો.
5. હવે આ પુરણનો મસાલો કરીશુ તેના માટે પહેલા આમાં સ્વાદ મુજબ મીઠું, બૂરું ખાંડ, મરીયા પાવડર (મરી પાવડર) અને લીંબુ નિતારી લઈશું.
6. હવે તેમાં લીલા ધાણા ઉમેરી લેવા.
7. આ બધું બરાબર મિક્સ કરી લેવું અને તેમાંથી ફોટોમાં બતાવ્યા પ્રમાણે નાની નાની ગોળીઓ વાળી લેવી.
8. બસ ઉપર જણાવ્યું એ રીતે બધા જ પૂરણની એકસરખી ગોળીઓ બનાવી લેવી.
9. હવે આપણે આ પેટીસનું બહારનું પડ બનાવીશું. તેના માટે સૌથી પહેલા આપણે બાફેલા બટાકાને છીણી લઈશું. ધ્યાન રાખો કે આ બટેકા છીણવાના છે દબાવીને ક્રશ નથી કરવાના. આમ કરવાથી પેટીસનું ઉપરનું પડ એકદમ સરખું બનશે.
10. બધા બટેકાને બરાબર છીણી લેવા
11. હવે આ છીણેલા બટેકામાં શિંઘોડાનો લોટ અને સ્વાદ મુજબ મીઠું અને મરીયા પાવડર એટલે કે મરી પાવડર ઉમેરવો.
12. હવે તેમાં લીલા ધાણા પણ ઉમેરી લેવા. ધાણા એ ઓપશનલ છે તમે નહિ ઉમેરો તો પણ ચાલશે.
13. બધું બરાબર મિક્સ કરી લેવું.
14. હવે એ બટેકાના મિક્ષરમાંથી એક નાનકડી પુરી જેવું હાથથી જ થેપી લો.
15. હવે હાથેથી થેપેલ પુરી પર આપણે લીલા નારિયળના પૂરણમાંથી બનાવેલ ગોળી મુકીશું.
16. બીજી બાજુ આપણે એક તાંસળામાં તેલ ગરમ કરવા માટે મુકીશું.
17. હવે ક્યાંયથી પણ ખુલી ના રહે એ રીતે તેને બંધ કરી લો. અને તેને ગરમ થયેલ તેલમાં તળવા માટે મુકીશું.
18. હવે ફોટોમાં બતાવ્યા પ્રમાણે ચમચીની મદદથી ગરમ તેલ લઈને તળવા માટે મુકેલ પેટીસ પર રેડતા રહીશું. આમ કરવાથી પેટીસ ઉપરથી પણ તળતી રહેશે.
19. હવે થોડીવારે આ પેટીસને તેલમાં ફેરવી લેવી જેથી બીજી તરફ પણ બરાબર તળાઈ જાય.
20. બસ બંને બાજુ બરાબર તળાઈ જાય એટલે તૈયાર છે લીલા નારિયળની પેટીસ જે તમે ફરાળી ચટણી સાથે ખાઈ શકો છો.
આવજો ત્યારે ફરી મળીશું આવી જ કોઈ નવીન અને પરફેક્ટ વાનગી સાથે અને હા, તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો.
રસોઈની રાણી : પદમા ઠક્કર
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
The post લીલા નારિયળની ફરાળી પેટીસ – એકની એક સાબુદાણાની ખીચડી અને મોરૈયો ખાઈને કંટાળી ગયા છો? આ રહી નવીન વાનગી.. appeared first on Rasoi ni Rani.
from Rasoi ni Rani https://ift.tt/3jhG2gF
No comments:
Post a Comment