કેમ છો મિત્રો? અઠવાડિયામાં 2 થી 3 વાર તો કઠોળનું શાક ખાવાનું આજ એવો અમારા ઘરનો નિયમ છે એમાં બુધવાર તો લગભગ ફિક્સ જ હોય કે સવારે મગ જ બનાવવા લગભગ દરેક ગુજરાતી ઘરમાં દર બુધવારે મગ બનતા હોય છે. દહીંવાળા મગ, ચણાના લોટવાળા મગ, સાદા મગ અને ફણગાવેલા મગ આમ અલગ અલગ રીતે આપણે મગ બનવતા હોઈએ છીએ.
આજે અમે સાદા મગ બનાવ્યા હતા અને તેમાંથી થોડા વધ્યા હતા અને સાથે થોડો ભાત પણ વધ્યો હતો. તો હવે એ વધેલું વેસ્ટ તો કેવીરીતે જવા દેવું એટલે આજે મેં એમાંથી મુઠીયા બનાવવાનું વિચાર્યું. આમ પણ અમારા સાક્ષીબેનને રોજ સાંજે જમવામાં નવીન ખાવાનું જ જોઈતું હોય છે હવે સવારના વધેલા મગ ભાત તો એ ક્યારેય ખાવાની જ નથી એટલે તેમાંથી મેં મુઠીયા બનાવ્યા જે બધાને ખુબ પસંદ આવ્યા. તો હવે જયારે પણ મગ ભાત વધે તો આ વાનગી જરૂર બનવજો.
સામગ્રી
- વધેલા મગ અને ભાત – એક બાઉલ
- ઘઉંનો જાડો લોટ – એક વાટકી
- બાજરીનો લોટ – એક વાટકી
- મકાઈનો લોટ – એક વાટકી
- લીલા મરચા – ચાર પાંચ નંગ
- આદુ – એક નાનો ટુકડો
- લસણ – 10 થી 12 કળી
- દહીં – 2 ચમચી

- કસૂરી મેથી – 2 ચમચી
- મરીયા પાવડર – અડધી ચમચી
- લાલ મરચું – 1 ચમચી
- હળદર – અડધી ચમચી
- ગરમ મસાલો – અડધી ચમચી
- મીઠું – અનુસાર (મીઠું ઉમેરો ત્યારે મગ અને ભાતમાં ઉમેરેલું મીઠું ધ્યાનમાં રાખજો.)
- તેલ – મોણ વઘાર કરવા માટે
- હિંગ – એક ચપટી
- સોડા – એક ચપટી

મગ ભાતના મુઠીયા બનાવવા માટેની સરળ રેસિપી.
1. સૌથી પહેલા આપણે મીક્ષરના નાના કપમાં લસણ, લીલા મરચા અને આદુ અધકચરું ફોટોમાં પ્રમાણે ક્રશ કરી લેવું.
2. હવે લોટ બાંધવાના વાસણમાં ત્રણે પ્રકારના લોટ લેવા.

3. હવે તેમાં હાથથી મસળીને કસૂરી મેથી અને અજમો ઉમેરો અજમો પણ હાથમાં મસળીને ઉમેરવો.
4. હવે આમાં મસાલો કરીશું તેના માટે ક્રશ કરેલા આદુ, લસણ અને મરચા ઉમેરો સાથે સાથે તેમાં હળદર, લાલ મરચું, ગરમ મસાલો, સોડા, મીઠું મોણ માટેનું તેલ ઉમેરો તેલ આમાં ભાખરીમાં ઉમેરીએ એટલું બધું નથી ઉમેરવાનું.
5. હવે આ બધા મસાલા અને મોણ બરાબર મિક્સ કરી લો અને હવે તેમાં વધેલા મગ અને ભાત ઉમેરો.
6. બધું બરાબર મિક્સ કરી લો. મગ અને ભાત એ લોટમાં બરાબર ભળી જવા જોઈએ. હવે તેમાં દહીં ઉમેરો.

7. હવે લોટને બરાબર ભેગો કરીને બાંધી લો. આપણે નોર્મલ મુઠીયા બનાવીએ બાંધવાનો છે પાણીની જરૂર પડે તો જ ઉમેરજો.
8. હવે ઢોકળિયામાં પાણી ગરમ મૂકીને તેમાં મુઠીયા બાફવા માટે મુકો.
9. થોડીવાર પછી મુઠીયા ચઢી જશે જે તમે મૂઠિયામાં ચપ્પુ નાખીને ચેક કરી શકશો.
10. હવે ચઢી ગયેલ મુઠીયા થોડા ઠંડા થાય એટલે તેને ગોળ કાપી લો.
11. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકીશું
12. તેમાં રાઈ ઉમેરો રાઈ તતડે એટલે તલ અને મીઠો લીમડો પણ ઉમેરો.
13. હવે હિંગ ઉમેરીને કાપેલા મુઠીયા તેમાં ઉમેરો.
14. મુઠીયા ઉમેરીને બરાબર હલાવી લો અને પછી તેમાં આપણે લીંબુ ઉમેરીશું.
15. હવે તેમાં જરૂર મુજબ ખાંડ ઉમેરો આપણે ગુજરાતી એટલે ખાંડ નાખીને જ ભાવશે પણ તમે ઇગ્નોર પણ કરી શકો.
16. હવે બધું બરાબર મિક્સ કરો એટલે તૈયાર છે તમારા વધેલા મગ અને ભાતમાંથી બનાવેલ મુઠીયા.
આ રેસિપી એકવાર જરૂર ટ્રાય કરજો અને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. આવજો ફરી મળીશું આવી જ કોઈ નવીન અને પરફેક્ટ રેસિપી સાથે.
રસોઈની રાણી : પદમા ઠક્કર
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
The post મગ અને ભાતના મુઠીયા – સવારના મગ અને ભાત બનાવેલા વધ્યા છે? તો બાનવો આ ટેસ્ટી મુઠીયા… appeared first on Rasoi ni Rani.
from Rasoi ni Rani https://ift.tt/35IYVGy
No comments:
Post a Comment